What’s Hot

More Posts

   The Latest

Most Popular

નૈનીતાલ: નૈનીતાલના (Nainital) જંગલમાં (Forest) લાગેલી આગને (Fire) 36 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી વન વિભાગ આગજની ઉપર કાબૂ મેળવી શક્યું નથી. જેના કારણે વન વિભાગે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાની (Indian Air Force) મદદ માંગી હતી. આ આગજનીમાં અત્યાર સુધી નૈનીતાલના જંગલોના કેટલાય હેક્ટર બાળીને રાખ થઈ ગયા છે.

હવે નૈનીતાલના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. આજે શનિવારે આ હેલિકોપ્ટરે ભીમતાલ તળાવમાંથી પાણી ભર્યું અને તેની મદદથી જંગલની આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

જંગલની આગ હવે રહેણાંક વિસ્તારો સુધી પહોંચી હતી. આ કારણે આગજનીને કાબૂમાં લેવા માટે સેનાની મદદ લેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. નૈનીતાલ ડિવિઝન ફોરેસ્ટ ઓફિસર ચંદ્રશેખર જોશીએ જણાવ્યું કે આગ બુઝાવવા માટે મોર્ના રેન્જના 40 જવાનો અને બે ફોરેસ્ટ રેન્જર્સને તૈનાત કરવામાં આવ્યા હતા.

જ્વાળાઓ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી
અગ્નિજ્વાળાઓ નૈનીતાલ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ હતી. તેમજ નૈનીતાલ ભવાલી રોડ પર પાઈનના જંગલોમાં લાગેલી આગને કારણે આખો રસ્તો ધુમાડામાં ઢંકાઈ ગયો હતો. આ સાથે જ ITI બિલ્ડીંગ પણ આગની લપેટમાં આવી હતી. આ સાથે જ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં આગના 31 નવા કેસ નોંધાયા છે. આગજનીમાં 33.34 હેક્ટર જંગલો બળીને રાખ થઈ ગયા હતા.

તેમજ પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે રૂદ્રપ્રયાગમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેઓ જંગલમાં આગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા અને સુરક્ષા માટે દરેક જરૂરી પગલા ભરવા સૂચના આપી હતી. આ સાથે તેમણે તમામ વિભાગોના અધિકારીઓને સંકલન જાળવવા જણાવ્યું હતું.

આગ રહેણાંક વિસ્તારોની નજીક પહોંચી હતી
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અનિલ જોશીએ જણાવ્યું હતું કે, “આગ પાઈન્સ નજીક સ્થિત એક જૂના અને ખાલી મકાનને લપેટમાં લીધી છે. તેનાથી હાઈકોર્ટ કોલોનીને કોઈ નુકસાન થયું નથી, પરંતુ આગ પાઈન્સ નજીક સ્થિત ભારતીય સેનાના સંવેદનશીલ વિસ્તારમાં પહોંચવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને વહેલી તકે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અહીંના વન વિભાગ દ્વારા જારી કરાયેલા દૈનિક બુલેટિન મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુમાઉ ક્ષેત્રમાં જંગલમાં આગ લાગવાની 26 ઘટનાઓ બની હતી, જ્યારે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ ઘટનાઓ બની હતી, જેમાં 33.34 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો હતો. આ ઘટનાઓમાં 39,440 રૂપિયાનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. ગત વર્ષની 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં જંગલમાં આગની કુલ 575 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 689.89 હેક્ટર જંગલ વિસ્તારને અસર થઈ છે અને 14,41,771 રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.

To Top