What’s Hot

More Posts

   The Latest

Most Popular

છેલ્લાં કેટલાંક સમયથી ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરી શરૂ કરવામાં આવી છે. મતદાર ઓળખની આ કામગીરી માટે વિસ્તાર મુજબ BLOની નિમણૂંક કરાઈ છે. ગુજરાત સહિત દેશમાં ઘણા ઠેકાણે SIRની કામગીરીના દબાણના લીધે અનેક BLOના મૃત્યુ નિપજવાના કિસ્સા બન્યા છે. SIRની કામગીરી સામે વિરોધના સૂર ઉઠ્યા છે ત્યારે બીજી તરફ સુરતમાં એક BLO એવા છે જે બિમાર અવસ્થામાં પણ અનોખા અંદાજમાં નિષ્ઠાપૂર્વક SIRની કામગીરી કરી રહ્યાં છે.

  • સરકારી કર્મચારીની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈ લોકોમાં સુખદ આશ્ચર્ય, હાથમાં માઈક લઈ જાતે એનાઉન્સમેન્ટ કરતા જોવાનો લ્હાવો અનેરો
  • અડાજણના મકરંજ જોશીએ સ્વાસ્થ્ય સમસ્યા હોવા છતાં SIRની કામગીરી દરમિયાન એક પણ રજા લીધી નથી

અડાજણના એક BLOએ પોતાની અસાધ્ય શારીરિક પીડા છતાં ફરજ પ્રત્યેની અસાધારણ નિષ્ઠા દર્શાવી છે અને થાક્યા વિના સતત ફરજ નિભાવી રહ્યાં છે. અડાજણ વિસ્તારમાં રહેતા મકરંદ જોશી તેમની ફરજ નિષ્ઠાના લીધે ચર્ચામાં છે. હાલમાં મકરંદ જોશી BLO તરીકે ફરજ નિભાવી રહ્યા છે. પોતે છેલ્લા કેટલાક સમયથી ગંભીર શારીરિક તકલીફનો સામનો કરી રહ્યા છે. તેમની ગળા નીચેના મણકાની ગાદી ખસી ગઈ છે, જેના કારણે તેમને સતત પીડા રહે છે.

સ્વાસ્થ્ય સમસ્યા હોવા છતાં મકરંદ જોશીએ SIRની કામગીરી દરમિયાન એક પણ રજા લીધી નથી. જ્યાં સરકારી કર્મચારીઓ કામગીરીના બોજને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યાં જોશીનું આ કાર્ય એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે.

મકરંદ જોશીની કામગીરીનો અંદાજ પણ સાવ અલગ છે. તેઓ ફક્ત ઓફિસમાં બેસીને ફોર્મ ચકાસણી કે ઘર-ઘરની સામાન્ય મુલાકાત સુધી સીમિત નથી. પોતાના વિસ્તારમાં દરેક નાગરિક લોકશાહીના આ મહાયજ્ઞમાં જોડાય તે સુનિશ્ચિત કરવા માટે મકરંદ જોશી અલગ-અલગ સોસાયટીઓ અને વિસ્તારોમાં માઈક અને લાઉડસ્પીકર લઈને જાય છે. જાતે જ એનાઉન્સમેન્ટ કરીને લોકોને મતદાર યાદી સુધારણા માટેના ફોર્મ ભરવા, ભૂલો સુધારવા અને નવા નામ ઉમેરવા માટે જાગૃત કરી રહ્યા છે. આ પ્રકારની મહેનત અને સર્જનાત્મકતા ભાગ્યે જ કોઈ સરકારી કામગીરીમાં જોવા મળે છે.

To Top